સાત સૂર
સા રે ગ મ ના સાત પગથિયે ચડતી જાય આ જિંદગી,
નીચે ઊતરે ત્યારે સમજાય, સૂર જ હતી બંદગી.
‘સા’ માં માનું હાલરડું, ને ‘રે’ માં રમતાં બાળ,
‘ગ’ માં ગલીઓ, ગિલ્લી-દંડા, ગામ તણી એ ડાળ;
‘મ’ માં મળિયું મનનું માણીગર, ઝૂમી ઊઠી ઉમંગી…
સા રે ગ મ…
‘પ’ માં પરસેવો, પરિવાર ને પાઈ પાઈનો હિસાબ,
‘ધ’ માં ધોળા વાળ ઊગ્યા, ને ધીમો પડ્યો રુઆબ;
‘ની’ માં નીરવ સાંજ ઢળી, ને સૂર થયા સૌ સંગી…
સા રે ગ મ…
પરાગ કહે: આ સરગમ તો છે શ્વાસ તણી સિતાર,
ઊંચો-નીચો સૂર લાગે, એ જ જીવનનો સાર;
છેલ્લે ‘સા’ પર પાછા આવી, ઝૂકીએ થઈ સતસંગી…
સા રે ગ મ…
– પરાગ રતનપરા