← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાદળના વણજારા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમે તો વાદળ જેવા વણજારા,
આજ અહીંયાં, કાલ કહીં, ને પરમ દિવસ પરબારા.

નથી અમારે ખૂંટો-ખીલો, નથી કોઈ ખોરડું,
ઝાડ મળે ત્યાં છાંયો, ને જ્યાં સાંજ પડે ત્યાં ઓરડું;
તારા ઓઢી ઊંઘી જઈએ, ઝરણાં ગાય હાલરડાં સારાં…
અમે તો વાદળ જેવા વણજારા.

લોક પૂછે: ‘ક્યાં જાવું છે? ક્યાંથી આવ્યા, ભાઈ?’
અમે કહીએ: ‘પવન પૂછીને ચાલ્યો છે ક્યાં કોઈ?’
ધૂળ અમારી ધજા, ને કેડી અમારાં ભાઈબંધ પ્યારાં…
અમે તો વાદળ જેવા વણજારા.

પરાગ કહે: જે બંધાયો, એ ખૂંટે જઈ ખોવાયો,
જે ઊડ્યો, એ ફૂલે ફૂલે મ્હેક બનીને છવાયો;
વરસી પડીએ જ્યાં તરસ મળે, એ જ અમારા ઉતારા…
અમે તો વાદળ જેવા વણજારા.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખરાહ એટલેઆગલો લેખ →ગલૂડિયું