ઉછીનું અજવાળું
ઝૂંપડીમાં વીજળી નથી.
એટલે રમલી
સામેના બંગલાની બારીમાંથી
રોજ સાંજે
થોડું અજવાળું ઉછીનું લે છે,
ને પગથિયે બેસીને
ચોપડી ખોલે છે.
બંગલાવાળાને ખબર નથી
કે એમના ઝુમ્મરનું
અડધું તેજ
રોજ રાતે
એક ઝૂંપડીના ગણિતમાં
દાખલા ગણે છે.
પરિણામ આવ્યું.
રમલી પહેલી આવી,
બંગલાનો દીકરો નાપાસ.
ઝુમ્મર હજીય એટલું જ ઝગમગે છે,
પણ મને ખબર છે —
એનું સાચું અજવાળું
કઈ બાજુ ગયું.
– પરાગ રતનપરા