ત્રિરંગો
પંદરમી ઑગસ્ટે
સિગ્નલ પર
એક છોકરો ત્રિરંગા વેચે છે —
દસ રૂપિયાનો એક.
લાલ લાઇટ થાય
ત્યારે ગાડીઓના કાચ પર ટકોરા મારે છે,
લીલી થાય
ત્યારે ધુમાડામાં ઊભો રહી જાય છે.
સાંજ સુધીમાં
ઘણા ઝંડા વેચાઈ જાય છે.
ગાડીઓનાં ડૅશબોર્ડ પર
દેશ લહેરાય છે.
રાતે
ફૂટપાથ પર
વધેલા બે ઝંડા
એ ઓઢીને સૂઈ જાય છે.
સવારે
પાલિકાવાળા કહે છે:
‘ઝંડાનું અપમાન કરે છે?’
છોકરો ચૂપ છે.
એને ખબર નથી
કે જે કપડું
આખી રાત
એને ઠંડીથી બચાવતું રહ્યું,
એનું અપમાન
કઈ રીતે થયું.
– પરાગ રતનપરા