રહેવા દે
ન આવ્યાં તો કશો વાંધો, બહાનાંઓ રહેવા દે,
હવે તો આંસુ સાચાં છે, તરાનાઓ રહેવા દે.
ગયેલા કાળની વાતો કરીને શું મળે આજે?
હવે આ પળ જ જીવી લે, જમાનાઓ રહેવા દે.
ગરીબી દૂર થાશે, એ સુણીને થઈ ગયા ઘરડા,
હવે રોટી જ આપો તો, ફસાનાઓ રહેવા દે.
તિજોરીમાં ભરી સોનું, પિતા ખાલી ઘરે બેઠા,
લખે કાગળ: મળી જા તું, ખજાનાઓ રહેવા દે.
પરાગે ફૂલને કીધું, ‘સુગંધો તો હવા લેશે,
હસીને ખીલવું તારું, દિવાનાઓ રહેવા દે.’
– પરાગ રતનપરા
#ગઝલ #વર્તમાન #સાદગી #પિતા #બહાનાં #પરાગરતનપરા
#GujaratiGhazal #LiveInTheMoment #LetGo #FathersLonging #NoExcuses #ParagRatanpara