← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

થોરનું ફૂલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

થોરને ય ફૂલ ખીલે, સૈયર, જો તરસ સાચી હોય,
કાંટાની વચ્ચે ય કોઈ મ્હેકની વાટ જોય…

રેતીની આંધીમાં ઊભો એકલો, ના છાંયો, ના પાણી,
ચાંદની રાતે સપનું જુએ, આવે વાદળરાણી;
ઝાકળનું એક ટીપું ઝીલી, આખું ચોમાસું પ્રોય…
થોરને ય ફૂલ ખીલે…

ઊંટ આવે ને મોઢું મારે, વેપારી ઉખેડે ડાળ,
તોય ન છોડે ધરતી માને, ન છોડે જીવનનો તાલ;
પગ તળે બળતી રેતી, ને મનડું નદીએ ધોય…
થોરને ય ફૂલ ખીલે…

પરાગ કહે: એક દી’ સવારે થોરે ફૂલ ઉઘાડ્યું,
રણ આખાએ ભેગા થઈને જાણે ગીત ગવડાવ્યું;
જેણે ઇચ્છા જીવતી રાખી, એનું સપનું ના ખોય…
થોરને ય ફૂલ ખીલે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખખાડાઆગલો લેખ →વાર્તા હશે