ખાડા
પહેલે વરસાદે રોડ બધા ધોવાયા રે,
ખાડામાં સ્કૂટર ને સાહેબો ખોવાયા રે…
ગઈ કાલે જ તો ઉદ્ઘાટન કીધું, ફોટા પાડ્યા હસતા,
આજે એ જ રસ્તે હોડી ચાલે, માછલાં કરે નમસ્તા;
કૉન્ટ્રાક્ટરના બંગલે તો નવા માળ બંધાયા રે…
પહેલે વરસાદે…
ગટરનું ઢાંકણ ગાયબ, ને ભૂવો ફાડે મોઢું,
સાહેબ બોલ્યા: ‘કુદરત છે, ભાઈ, ધીરજ રાખો થોડું’;
ફાઈલોમાં તો રોડ બધા ચકચકતા છપાયા રે…
પહેલે વરસાદે…
પરાગ કહે: આ શહેરને પાણી ગળે પહોંચ્યું છે,
ચૂંટણી આવે, ત્યારે નેતા હોડીમાં પહોંચ્યો છે;
વોટ લઈને ગયા પછી, પાંચ વરસ ખોવાયા રે…
પહેલે વરસાદે…
– પરાગ રતનપરા