થોડી હવા દેજે
ભલે ના પાંખ દે મુજને, ફકત થોડી હવા દેજે,
ભલે ના નાવ દે મુજને, નદીની બસ દિશા દેજે.
નથી માગ્યાં કદી મેં તખ્ત, સોનું, તાજ કે ચાંદી,
ફકત આ ઝૂંપડી માટે જરા છાંયો, જગા દેજે.
કરું છું ભૂલ હું રોજે, મને મારી ખબર છે, પણ
ગુનો મારો ભલે મોટો, દિલે મોટી દયા દેજે.
દવાથી દર્દ ના જાતું, દુઆથી જાય છે ક્યારેક,
ભલે ના દે દવા, મારા લલાટે બસ દુઆ દેજે.
પરાગે ફૂલ પાસે ક્યાં કશું બીજું કદી માગ્યું?
ખરું તો ડાળથી હસતાં ખરું, એવી રજા દેજે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રાર્થના #દુઆ #સાદગી #સંતોષ #પરાગરતનપરા
#GujaratiGhazal #Prayer #Contentment #SimpleLiving #DivineGrace #ParagRatanpara