← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સુકાયેલી નદી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામની નદી
હવે ક્રિકેટનું મેદાન છે.

છોકરાં
રેતીમાં સ્ટમ્પ ખોડે છે;
ચોગ્ગો વાગે
તો દડો
જૂના ઘાટનાં પગથિયાં સુધી
દડતો જાય છે —
જ્યાં ક્યારેક
અષાઢી મેળો ભરાતો.

દાદા ઓટલે બેઠા
કહે છે:
‘અહીં એક વાર પૂર આવ્યું’તું,
આ લીમડા સુધી પાણી!’

છોકરાં હસે છે,
માનતાં નથી.

નદી પણ
હવે માનતી નથી
કે એ ક્યારેક
નદી હતી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખનૌજવાનઆગલો લેખ →આવું ને, બા?