આવું ને, બા?
‘આવું ને, બા?’ પૂછે દીકરો દરિયાપારથી ફોનમાં,
બા કહે: ‘ના, કામ કર તું’, ને આંસુ લૂછે મૌનમાં.
દિવાળી આવી, દીવા પ્રગટ્યા, ઓટલો રહ્યો સૂનો,
બાએ ફરી કબાટેથી કાઢ્યો એનો શર્ટ એ જૂનો;
સૂંઘી સૂંઘી ગડી વાળી, મૂક્યો પાછો ખૂણામાં…
‘આવું ને, બા?’…
‘ટિકિટ મોંઘી, રજા નથી’, દીકરો કહે મજબૂરી,
બા કહે: ‘હું મજામાં, બેટા’, ને ઢાંકે સઘળી દૂરી;
ગોઠણ દુખે, આંખ ઝાંખી, તોય હસે એ સૂરમાં…
‘આવું ને, બા?’…
પરાગ કહે: આ ‘આવું ને?’માં આખું આભ સમાય,
પરદેશે જે ઊડે પંખી, મૂળ ગામમાં રહી જાય;
માના ‘ના’માં ‘હા’ જ છુપાઈ, વાંચજે એના મૌનમાં…
‘આવું ને, બા?’…
– પરાગ રતનપરા