શરદ પૂનમ
આજ શરદની પૂનમ ને મારો ચાંદો ઊગ્યો ચોક,
ગરબે ઘૂમે ગામ ને સઘળા ભૂલ્યા લાજ ને લોક.
દૂધપૌંઆ ઠરે અગાશીએ, ચાંદની ભરે સ્વાદ,
તાળીએ તાળીએ મનડું મારું સાંભળે એનો સાદ;
પગમાં ઝાંઝર, હૈયે ઝણઝણ, કોણ રાખે રોક-ટોક…
આજ શરદની પૂનમ…
ચાંદો કહે: ‘હું આભે એક જ’, હું કહું: ‘હું ય એક’,
તારો સાયબો મારો સાયબો, ચાલ ને રમીએ છેક;
ચાંદ જુએ ને ઈર્ષ્યા કરે, કરે તારલા શોક…
આજ શરદની પૂનમ…
પરાગ કહે: આ પૂનમ તો આવે ને જાયે હર સાલ,
પણ જે રાતે પ્રીત ઊગી, એ રાત રહે ત્રિકાળ;
ચાંદની ઝીલી ઓઢણીમાં, ઘેર લઈ ગઈ આલોક…
આજ શરદની પૂનમ ને મારો ચાંદો ઊગ્યો ચોક.
– પરાગ રતનપરા