સેલ્ફી
ફોનમાં
મારી બાર હજાર સેલ્ફી છે.
દરિયે ઊભો હું,
પહાડે ઊભો હું,
મંદિરે, મૉલમાં, લગ્નમાં, બેસણામાં —
દરેક જગ્યાએ
હું જ હું.
હોઠ ગોળ,
ગાલ અંદર,
આંખ થોડી ઝીણી,
ફિલ્ટર થોડું ગોરું.
ગઈ કાલે
બાથરૂમના ઝાંખા અરીસામાં
અચાનક
એક થાકેલો, ચાળીસ વરસનો માણસ દેખાયો.
ઘડીક તો થયું,
‘કોણ છે આ?’
પછી યાદ આવ્યું —
એને તો મેં
વર્ષોથી
ક્રૉપ કરી નાખ્યો હતો.
– પરાગ રતનપરા