← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શહેરની સવાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ તે કેવી સવાર, જેમાં કૂકડો નહીં, એલાર્મ જાગે?
સૂરજ પણ સિગ્નલ પર ઊભો, હૉર્ન વગાડી માગે!

બારી ખોલું તો સામે ભીંત, ભીંત ઉપર જાહેરાત,
પંખી ક્યાં? ટાવરની ઉપર બેઠાં ત્રણ-ચાર સાત;
ચાના કપમાં ડૂબકી મારી, ઊંઘ હજી પણ ભાગે…
આ તે કેવી સવાર…

દાતણ ગયું, ને ગયો કૂવો, ગઈ પ્રભાતી ગાતી,
ગઈ ગાયની ઘંટડી, ને ગઈ દાદીની પરભાતી;
લોકલ ગાડી પકડું ત્યાં તો દિવસ ગળે આ લાગે…
આ તે કેવી સવાર…

પરાગ કહે: આ શહેર મજાનું, પણ સવાર ક્યાં ખોઈ?
ઊગે સૂરજ ઈએમઆઈમાં, ને આથમતો ના કોઈ;
એક દિવસ તો ગામ જઈને ઊંઘું ખેતર-આગે…
આ તે કેવી સવાર…

– પરાગ રતનપરા

ગીતવ્યંગ
← પહેલો લેખઅષાઢ આવ્યોઆગલો લેખ →પપ્પાઓ રડતા નથી