← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પપ્પાઓ રડતા નથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પપ્પાઓ રડતા નથી.

દીકરીની વિદાય વખતે
એ જાનૈયાઓને
પાણી પીરસવામાં
વ્યસ્ત હોય છે.

નોકરી છૂટે
ત્યારે એ
છાપામાં ક્રૉસવર્ડ ભરે છે.

દાક્તર રિપૉર્ટ લઈને
ગંભીર ચહેરે બહાર આવે,
ત્યારે એ
કૅન્ટીનમાંથી
બધા માટે ચા લઈ આવે છે.

પપ્પાઓ રડતા નથી.

એ તો
રાતે બે વાગ્યે
ગૅરેજમાં જઈને
જૂનું સ્કૂટર
ઘસી ઘસીને
સાફ કરે છે.

સવારે મમ્મી કહે છે:
‘આ સ્કૂટર
આટલું ભીનું કેમ છે?’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખશહેરની સવારઆગલો લેખ →તેજ