સવિતા વંદન
હે સવિતા, તેજ તમારું ધરજો મારી મતિમાં,
અંધારું ઓગાળી દેજો, ઝળહળજો જીવનગતિમાં.
પરોઢિયે પૂરવ ઊઘડે, ને ઝાકળ મોતી ઝગે,
પંખી બોલે, પાંદડાં હલે, ને આખી સૃષ્ટિ જાગે;
એ જ તેજ ભીતર ઊગે, તો શું બાકી રહે ભક્તિમાં?…
હે સવિતા…
ઉપકાર તમારા અપાર, ન માગો કદી બદલો,
રોજ ઊગો, રોજ આથમો, ન થાક, ન કો’ ઝઘડો;
એવું જ નિષ્કામ જીવું, એ શીખ આપજો શક્તિમાં…
હે સવિતા…
પરાગ કહે: આ સૂરજ તો છે ઈશ્વરની આંખ ઉઘાડી,
જે જુએ છે સૌને સરખા, ઝૂંપડી કે હો વાડી;
એ નજર મળે મને, તો ભેદ ન રહે કોઈ વ્યક્તિમાં…
હે સવિતા…
– પરાગ રતનપરા