સાલમુબારક
સાલમુબારક, સાલમુબારક, આંગણે આવ્યું નવલું વરસ,
રંગોળી પૂરી, દીવા મૂક્યા, મીઠું કર્યું મોં, થયું સરસ.
જૂની ખટાશ, જૂના ઝઘડા, વાળી કાઢ્યા ધૂળ સંગે,
પાડોશીને ઘેર ગયા, ને ભેટ્યા હસતાં ઉમંગે;
સૂકા સંબંધોની ડાળે ઊગ્યો ફરીથી પ્રેમનો રસ…
સાલમુબારક…
દાદીએ આશિષ દીધી, ‘સો વરસ જીવો, બાળ’,
બાપુએ ખિસ્સે નોટ મૂકી, માએ ભર્યો મીઠો થાળ;
મંદિરે જઈ સૌએ લીધાં ઠાકોરજીનાં દરસ…
સાલમુબારક…
પરાગ કહે: નવું વરસ તો બદલે ફક્ત તારીખ,
હૈયું બદલો, એ જ ખરી દિવાળીની શીખ;
માણસ થઈને જીવીએ, બસ એ જ ખરું નવું વરસ…
સાલમુબારક…
– પરાગ રતનપરા