← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાચો શબદ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાચો શબદ જેને લાગ્યો રે, એને ઊંઘ ન આવે રાત,
ભીતર દીવો ઝગમગ ઝગમગ, બારે માસ પ્રભાત…

કાને સાંભળ્યો કથામાં, ઘેર જાતાં ભૂલ્યા લોક,
હૈયે ઊતર્યો જેને, એનો ટળ્યો સઘળો શોક;
એક શબદની ચોટ લાગી ને પલટાઈ ગઈ જાત…
સાચો શબદ…

પોથી વાંચી, પાઠ કર્યા, ને માળા ફેરવી લાખ,
તોય ન ઊઘડી અંતરની એક અધમીંચી આંખ;
ગુરુએ એક જ શબદ કહ્યો, ને ખૂલી ગઈ સૌ વાત…
સાચો શબદ…

પરાગ કહે: શબદ નથી અક્ષર, શબદ તો છે અંગાર,
જેને અડે એ બળીને થાતો કંચન તેજ અપાર;
રાખ બને અહંકાર, ને ઊગે અંદર અજવાળી ભાત…
સાચો શબદ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપ્લૅટફૉર્મઆગલો લેખ →મારો ગણો