પ્લૅટફૉર્મ
ટ્રેન ગઈ.
પ્લૅટફૉર્મ પર
થોડી વાર સુધી
હાથ હવામાં જ રહ્યા,
જાણે હવા પાસેથી
કોઈ પાછું માગતા હોય.
ચાવાળાએ
કીટલી નીચે મૂકી,
કૂલીએ
લાલ ફાળિયું ખભે નાખ્યું,
ને એક કૂતરું
પાટા પાસે સૂંઘતું રહ્યું
કંઈક, જે
ટ્રેનમાં ચડ્યું નહોતું.
દસ મિનિટ પછી
બીજી ટ્રેન આવી,
બીજા હાથ ઊંચા થયા,
બીજાં નામ બોલાયાં.
પ્લૅટફૉર્મને
કશો ફરક પડતો નથી.
ફરક
ફક્ત એ બાંકડાને પડે છે,
જેના પર
બે ચાના કપ હતા,
ને હવે
એક જ છે.
– પરાગ રતનપરા