ઋણમુક્તિ
ના લેવું, ના દેવું, હવે ના કોઈનું લેણું રે,
આજ ચૂકવ્યું શેઠનું દેવું, હળવું થયું મારું હૈયું રે.
સાત વરસથી ચોપડે મારું નામ લખાયું લાલ,
વ્યાજે વ્યાજે વધતું ગયું, જેમ પાણી ભરેલો ખાલ;
આજ કપાસે સોનું વરસ્યું, ખેતર થયું રૂપેરું રે…
ના લેવું, ના દેવું…
ઘરવાળીએ બંગડી વેચી, દીકરે છોડી નિશાળ,
ઢોરને ચારો ઓછો નાખ્યો, વેઠ્યા ત્રણ દુકાળ;
આજ સૌને નવાં કપડાં લાવું, ને માને નવું ઓઢણું રે…
ના લેવું, ના દેવું…
પરાગ કહે: ઋણ ઊતરે ત્યારે માથું ઊંચું થાય,
ખેડુની છાતી ગજ ગજ ફૂલે, ગામ આખું હરખાય;
ના લેવું, ના દેવું, એ જ ધરતીપુત્રનું ઘરેણું રે…
ના લેવું, ના દેવું…
– પરાગ રતનપરા