← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રંગ વિનાની ઓઢણી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધોળી ઓઢણી ઓઢાડી, બા, મારાં રંગ લઈ ગ્યાં લોક,
હજી હથેળીની મેંદી ના સુકાણી, ને માથે આવ્યો શોક.

ચૂડલો ભાંગ્યો ઊંબર વચ્ચે, ખણખણ ખરિયાં મોતી,
અરીસો પણ ઢાંકી દીધો, હું મારી જાતને ગોતી;
ઓગણીસ વરસે ઓરડે બેસી, જોઉં સૂનો ચોક…
ધોળી ઓઢણી…

મેળે જાતી સહિયર સાદ કરે, હું બારીએ ના આવું,
ફૂલ ગૂંથ્યાં જે વેણીમાં, એને કેમ કરી ભુલાવું?
ગામ કહે: ‘હવે મર્યાદામાં’, મન કહે: ‘ઊડ, ના રોક’…
ધોળી ઓઢણી…

પરાગ કહે: રંગ ના છીનવો કોઈ દીકરીના જીવનના,
એના આંસુ લૂછો, ને ફરી ખોલો દરવાજા મનના;
ધોળી ઓઢણીમાં પણ ખીલે વસંત, જો ના હોય રોકટોક…
ધોળી ઓઢણી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબારણુંઆગલો લેખ →તરાપે