બારણું
ગામની છેલ્લી ગલીમાં સાવ છેલ્લું બારણું,
દીકરાની વાટ જોતું, રોજ ઘેલું બારણું.
નાનકાના હાથની છાપો હજી એની ઉપર,
મા ધુએ ના, એટલે છે સાવ મેલું બારણું.
મંદિરે ઘંટો વગાડ્યા, ભીડમાં ધક્કા સહી,
છેવટે ભીતર જઉં ને મૌન ઠેલું બારણું.
હાથમાં ફુગ્ગો હતો, ને આંખમાં ઝળહળ સપન,
કાળનું ત્યાં કેમ ખૂલ્યું સાવ વ્હેલું બારણું?
આ પરાગે મ્હેક થઈને સૌ ઘરોમાં જઈ શકું,
પાંખડી હર ફૂલની, મારું નવેલું બારણું.
– પરાગ રતનપરા
#ગઝલ #બારણું #પ્રતીક્ષા #મા #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #TheDoor #Waiting #MothersLove #InnerJourney #ParagRatanpara