રેંટિયો
ફર ફર ફરતો રેંટિયો રે, બાપુ કાંતે તાર,
એક તારમાં ગૂંથી દીધો આખો દેશ અપાર.
ના તલવાર, ના તોપ-બંદૂક, ના કોઈ લશ્કર સંગ,
એક લાકડી, એક પોતડી, ને સત્યનો રંગ;
ચપટી મીઠું ઉપાડ્યું ત્યાં ધ્રૂજી ઊઠી સરકાર…
ફર ફર ફરતો…
લાઠી ખાધી, જેલ ભોગવી, તોય ન ઊંચો હાથ,
વેરીને પણ વહાલ કર્યું, ને ગરીબ સૌનો સાથ;
છેલ્લી હરોળના માણસને એણે કીધો સરદાર…
ફર ફર ફરતો…
પરાગ કહે: આજે બાપુની નોટે છે તસવીર,
લાંચમાં એ જ નોટ ફરે, ને ભીંજાય એનું નીર;
રેંટિયો તો ખૂણે બેઠો, પૂછે: ‘ક્યાં ગયો મારો તાર?’
ફર ફર ફરતો…
– પરાગ રતનપરા