રીસ
રીસમાં મેં તો કમાડ વાસ્યાં, સાયબો પાછો વળિયો,
હવે ઊંઘ ના આવે રાતે, જીવડો મારો બળિયો.
નાની વાતમાં મોઢું ચડાવ્યું, બોલી ગઈ હું કડવું,
એ તો હસતો આવ્યો’તો, લઈ ગજરો ને ચૂડલું;
મેં તો ગજરો ફેંક્યો આંગણે, ત્યાં જ સૂરજ ઢળિયો…
રીસમાં મેં તો…
ચાંદો પૂછે: ‘ક્યાં ગયો તારો?’ હું શું ઉત્તર આપું?
મારા જ હાથે દીવો ઠાર્યો, હવે અંધારું માપું;
કાગ ઉડાડું ઓટલે, પણ સાયબો ક્યાંય ન મળિયો…
રીસમાં મેં તો…
પરાગ કહે: આ રીસ નથી રે, આ તો પ્રીતનું મીઠું,
જે રૂઠે એ જ મનાવે, એવું જગમાં દીઠું;
સવારે સાંકળ ખખડી, ને મારો ઝઘડો ઝળહળિયો…
રીસમાં મેં તો…
– પરાગ રતનપરા