← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાત પડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઢળી સાંજ ને દીવા બળ્યા, આવી કાળી રાત,
વાટ જોઉં હું વાવને કાંઠે, કોણ પૂછે મારી વાત?

ઢોર વળ્યાં ને ઘંટ વાગ્યા, ચકલાં માળે પોઢ્યાં,
ગામની સઘળી ગોરીઓએ ઘરનાં બારણાં ઓઢ્યાં;
હું એકલી પાદર ઊભી, જાણે ઝાડ-સંગાથ…
ઢળી સાંજ ને દીવા બળ્યા…

તારલિયા ગણી ગણી થાકી, ચાંદો ઢળ્યો આથમણે,
શમણાં ઓઢી બેઠી, તો યે ઊંઘ ન આવે પાંપણે;
ઝાંઝર મૂંગાં, કંગન મૂંગાં, મૂંગી મારી જાત…
ઢળી સાંજ ને દીવા બળ્યા…

પરાગ કહે: ત્યાં પરોઢ પહેલાં ઘોડે ચડી ઘર આવ્યો,
શહેર ગયો'તો, ગોરી માટે ચૂંદડી લેતો આવ્યો;
ગોરી બોલી: ‘ચૂંદડી શું? તું જ મારી સોગાત!’…
ઢળી સાંજ ને દીવા બળ્યા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઉંબરેઆગલો લેખ →સિક્કો