← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાત
શિકારીની જેમ આવે છે —
પગલાં વગર,
અવાજ વગર.

પહેલાં
એ રસ્તા ખાય છે,
પછી ઝાડ,
પછી ઘરોની ભીંતો,
પછી
માણસના ચહેરા.

હોસ્પિટલની બારીએ
ઊભેલી
એક સ્ત્રીના હાથમાં
એક નાનકડું બાળક છે,
ને રાત
એને પણ
ગળી જવા આગળ વધે છે —

ત્યાં
બાળક રડે છે.

એક રુદન,
ને આખી રાત
પાછી પગલે
દરવાજાની બહાર
ઊભી રહી જાય છે.

જન્મ
અંધારાનો
પહેલો પરાજય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખફિરકી ઝાલતી બેનીઆગલો લેખ →યાદી