યાદી
બાની યાદી:
ઘઉં — દસ કિલો
તુવેરદાળ — બે કિલો
તેલનો ડબ્બો
ગોળ, મરચું, હળદર
બાપુજીની દવા — ભૂલવી નહીં
દીકરીની નોટબુક — ચાર
સાબુ — બે
ને સૌથી છેલ્લે,
ઝીણા અક્ષરે:
‘મારે માટે
કંઈ નહીં.’
વર્ષો સુધી
દુકાનદાર
એ છેલ્લી લીટી
વાંચ્યા વગર
પડીકું બાંધતો રહ્યો.
આજે
બા નથી,
ને મેં
એ જૂની યાદી
ફરી વાંચી —
દુકાનમાં
બધું મળે છે,
બસ
એ છેલ્લી લીટીનું
કંઈ જ
મળતું નથી.
– પરાગ રતનપરા