← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફિરકી ઝાલતી બેની

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધાબે ચડ્યો વીરો મારો, હાથે લાલ પતંગ,
ફિરકી ઝાલું હું તો બેની, ઊડે મારો ઉમંગ.

વીરો કહે: ‘ઢીલ દે, બેની!’, હું ત્યાં ઢીલ મૂકું,
કાપે વીરો પાડોશીનો, હું તાળી ના ચૂકું;
‘કાપ્યો છે!’ની ચીસે ગાજે આખું આભ અખંડ…
ધાબે ચડ્યો વીરો મારો…

સાંજે ઠંડી ઊતરે ત્યારે ચીકી, તલ ને બોર,
દોરે વાગ્યો વીરાનો અંગૂઠો, હું બાંધું દોર;
એક જ પાટો, એક જ દોરો, એક જ ભાઈ-બેન સંગ…
ધાબે ચડ્યો વીરો મારો…

પરાગ કહે: હવે વીરો દૂર દેશમાં ઉડાડે જહાજ,
ને બેની બેઠી ધાબે એકલી, સાંભળે આભનો અવાજ;
ફિરકી ખાલી, આભ ભર્યું, ને હૈયે એ જ પતંગ…
ધાબે ચડ્યો વીરો મારો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમોહઆગલો લેખ →રાત