← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રીત તે કેવી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રીત તે કેવી, પૂછો નહીં, પ્રીત તો ઝીણી ઝીણી ઝળહળ,
આંખ્યુંમાં જે ઊગે સવારે, સાંજ પડે થાય ઝાકળ.

રાધા પાસે નહોતાં મોતી, નહોતા મહેલ-મિનારા,
કાનાની એક ફૂંકે ઝૂમ્યા જમુનાજીના કિનારા;
પ્રીત તો એવી, ભૂખ ભુલાવે, તરસ બને ગંગાજળ…
પ્રીત તે કેવી…

મીરાંએ વિષ પીધું તો એ અમરત થઈને ઊતર્યું,
શબરીનું એઠું બોર રામના હોઠે મીઠું ઊગ્યું;
પ્રીત તો એવી, હિસાબ ન રાખે, રાખે ન કોઈ કળ…
પ્રીત તે કેવી…

પરાગ કહે: આ પ્રીત ફૂલની ફોરમ જેવી ભોળી,
કોઈ બાંધે મુઠ્ઠીમાં તો સરી જાય રે ઢોળી;
ખુલ્લી હથેળીમાં જ રહે એ, જેમ પવનમાં વાદળ…
પ્રીત તે કેવી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઊજળાંઆગલો લેખ →તું વાત કર