← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પારિજાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોપ્યું પારિજાત, હરિ, તેં ભામાને દરબાર,
ફૂલ ખરે રુકમણી-આંગણ, કેવો આ વહેવાર!

ભામા રીસે ભરાઈ બોલી: ‘ઝાડ મારું, ફૂલ શીદ પરાયાં?’
હરિ હસીને બોલ્યા: ‘ફૂલ તો જાય જ્યાં પ્રીતનાં છાયાં;
માલિક તું તો મૂળની, ભામા, ફૂલ ન માને ભાર…’
રોપ્યું પારિજાત, હરિ…

રુકમણી કંઈ ન માગે, બસ આંગણ વાળે-ઝાળે,
ખરતાં ફૂલ ઝીલે પાલવમાં, હરિનાં ચરણ પખાળે;
માગે તેને ડાળ મળે, ને નમે તેને ફૂલ-હાર…
રોપ્યું પારિજાત, હરિ…

પરાગ કહે: આ પારિજાતનો છે જીવનમાં મરમ,
પકડો તો એ છટકી જાતું, છોડો તો આવે પરમ;
રાતે ખીલી, પરોઢે ખરતું — સહજ પ્રેમનો સાર…
રોપ્યું પારિજાત, હરિ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખડરવાનુંઆગલો લેખ →રવિવારની સવાર