રવિવારની સવાર
છૂટાં પડતી વખતે
આપણે નક્કી કર્યું હતું:
વસ્તુઓ વહેંચી લઈશું.
તેં પુસ્તકો લીધાં,
મેં રેકર્ડ્સ.
તેં કૂંડાં લીધાં,
મેં બાલ્કની.
ચાના બે કપ —
એક તારો, એક મારો.
બધું સરખે ભાગે.
પણ એક વસ્તુ
ભૂલથી
વહેંચાયા વગર રહી ગઈ:
રવિવારની સવાર.
હવે દર રવિવારે
એ સવાર
મારે ત્યાં આવે છે,
ને બારણે ઊભી ઊભી
પૂછે છે:
‘આજે કોની પાસે રહું?’
– પરાગ રતનપરા