← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નજરું અટકી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેળે ગઈ’તી હું તો ચકડોળે બેસવા, ને નજરું ત્યાં અટકી ગઈ,
ભીડની વચ્ચે એક પાઘડીનો છેડલો, ને હું તો ઘૂમટામાં સટકી ગઈ…

ચકડોળ ઊંચું ગયું ને આભ મારે હાથ,
નીચે ઊતર્યું ત્યાં તો છૂટ્યો સખીઓનો સાથ;
એણે મરકીને મારી સામું જોયું, ને હું તો ભીડમાં ભટકી ગઈ…
મેળે ગઈ’તી હું તો…

બંગડીની હાટડીએ એ પણ આવ્યો,
લીલી ને લાલ બેઉ રંગ એ લાવ્યો;
પૈસા ચૂકવવા ગઈ ત્યાં તો વેચાઈ ગઈ, ને બંગડી હાથે લટકી ગઈ…
મેળે ગઈ’તી હું તો…

પરાગ કહે: મેળો તો ત્રણ દિ’નો ખેલ,
પણ નજરુંનો મેળો તો જીવતરની વેલ;
વરસો વીત્યાં ને હજી ચકડોળ ફરે છે, ને હું એ ઘડીમાં અટકી ગઈ…
મેળે ગઈ’તી હું તો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખજોડણીઆગલો લેખ →રંગોળી