← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નદીને સામે કાંઠે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નદીને સામે કાંઠે સાજન, આ કાંઠે મારું ગામ,
વચ્ચે ઘૂમરી ખાતું વહેતું જુદાઈ જેનું નામ.

હોડી નથી, હલેસું નથી, નથી કોઈ ઓવારો,
સાદ કરું તો વળતો આવે પડઘો કેવળ મારો;
પાણીમાં હું દીવો મૂકું: ‘લઈ જજે એને ધામ…’
નદીને સામે કાંઠે…

ઉનાળે નદી સુકાય, તોય સુકાય ના આ દૂરી,
રેતીમાં પણ વહેતી રહેતી જુદાઈની મજબૂરી;
રોજ સાંજે ઘાટે બેસી જપું તારું નામ…
નદીને સામે કાંઠે…

પરાગ કહે: આ નદી નથી, આ તો સમયની ધારા,
કાંઠા કદી ન મળે, તોયે સાથે વહે બિચારા;
એક જ જળને બેઉ પીએ, એ જ મિલનનું ઠામ…
નદીને સામે કાંઠે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમરણ છેઆગલો લેખ →હજી