નાવ હંકારી
નાવ હંકારી મેં તો તારે ભરોસે, નાથ,
હલેસાં તૂટ્યાં, તોયે છોડ્યો ન તારો સાથ.
મધદરિયે મોજાં ઊછળે, ને આભે વીજ-કડાકા,
દિશા ભૂલ્યો, તારા છુપાયા, ઘેરે ઘોર અંધારાં;
એક જ દીવો હૈયે બળતો, એ જ તારો હાથ —
નાવ હંકારી મેં તો તારે ભરોસે, નાથ.
કોઈ કહે કે પાછો વળ, ને કોઈ કહે કે ડૂબ,
મેં કીધું: જેને તેં રાખ્યો, એને શાની ભૂખ?
ડૂબું તોય તારા જ જળમાં, એ પણ તારી બાથ —
નાવ હંકારી મેં તો તારે ભરોસે, નાથ.
પરાગ કહે: કિનારો તો આ શ્રદ્ધાનું છે નામ,
પહોંચું કે ના પહોંચું, મારે હલેસાંનું કામ;
તું જ સુકાની, તું જ કિનારો, તું જ આખી વાત —
નાવ હંકારી મેં તો તારે ભરોસે, નાથ.
– પરાગ રતનપરા