ચાદર
ઉદાસીએ અમારે ઘર સફેદીની ધરી ચાદર,
ન ડાઘો કો', ન સળ એકે, નિરાળી ને ખરી ચાદર.
દવાખાને પડી'તી મા, ઘણા દિવસો અબોલી થઈ,
હવે ખાલી પલંગે છે સ્મરણથી બસ ભરી ચાદર.
ઘણાં રેશમ, ઘણાં મખમલ, ઘણી ઓઢી ગુલાબી શાલ,
છતાં અંતે બધાંએ એક ધોળી બસ વરી ચાદર.
છુપાવ્યાં આંસુ હોઠોના ઉપર હાસ્યે દિવસ આખો,
છતાં રાતે ઉઘાડાં થઈ ગયાં નયનો, સરી ચાદર.
‘પરાગે’ સાચવી માની પુરાણી એક સાડી, ને
હવે ઓઢું, લગે છે કે ફરી મા પાથરી ચાદર.
– પરાગ રતનપરા
#ગઝલ #ઉદાસી #માતૃવિયોગ #મૃત્યુ #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Sorrow #LosingMother #Mortality #Remembrance #ParagRatanpara