← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોબાઇલ મહારાજ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જય જય મોબાઇલ મહારાજ, તમે તો કળિયુગના રાજ,
રાત-દિવસ તમને જ ભજું, તમે જ મારી લાજ.

સવારે આંખ ઊઘડે ત્યાં પહેલાં તમને ભાળું,
બા બોલાવે, બાપુ બોલાવે, તોય ગરદન ના વાળું;
ચાર્જર જો ભૂલી જાઉં તો લાગે જાણે પડી ગઈ ગાજ…
જય જય મોબાઇલ…

જમવા બેસું, થાળી ઠંડી, પણ ફોટો તો પાડું,
ગુડ મૉર્નિંગના ગુલાબ મોકલી આખું ગામ જગાડું;
પડોશી મરે તો ખબર ન પડે, સ્ટેટસ જોઉં આજ…
જય જય મોબાઇલ…

પરાગ કહે: આ ટચૂકડો દેવ બહુ ભારે પડ્યો ભાઈ,
આંગળીઓ સૌ નાચે એની, આંખો ગઈ સુકાઈ;
એક દિ’ બૅટરી ઊતરી, ત્યારે બાએ કીધું, ‘આવ, તને જોઉં આજ’…
જય જય મોબાઇલ…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખસૂકું ગુલમહોરઆગલો લેખ →ગયો ક્યાં?