મૌન
તું સામે હોય ત્યારે હોઠે તાળાં વાગે રે,
તું જાય પછી આખી રાત મારું મનડું જાગે રે.
સામે બેઠો હોય તો હું તો નખથી ધરતી ખોતરું,
તું જાય પછી કાગળ લઈને વાતો તારી ચીતરું;
કહેવાનું સૌ ગળે અટકે, જેમ પાણી ભીંતે ભાગે રે…
તું સામે હોય ત્યારે…
તારી હાજરીમાં તો મારું મૌન બને છે પાળ,
ગેરહાજરીમાં ઊછળે છે શબ્દોનો રે જુવાળ;
અરીસા સામે બેસીને હું તને કહું જે માગે રે…
તું સામે હોય ત્યારે…
પરાગ કહે: આ પ્રીત તણી તો ઊંધી છે રે રીત,
મળીએ ત્યારે મૂંગાં, ને છૂટ્યે ગાઈએ ગીત;
એક દી’ મૌન જ બોલી ઊઠશે, પડઘો આભે વાગે રે…
તું સામે હોય ત્યારે…
– પરાગ રતનપરા