મહીડાં
મહીડાં વેચવા હાલી ગોરી, વાટે ઊભો કાન,
મટુકી ફોડી, પાલવ ઝાલ્યો, ભૂલી ગઈ હું ભાન…
ઘરે જઈને શું કહેવું? કે દહીં ઢોળાયું ક્યાં?
સાસુ પૂછશે, નણંદ હસશે, હું તો ઊભી અહીં ત્યાં;
કાનો હસીને બોલ્યો: ‘કહેજે, ચોર હતો ભગવાન’…
મહીડાં વેચવા…
વાંસળી વાગી કદંબ ડાળે, ઝૂકી ગઈ આખી ઝાડી,
ગાયો થંભી, જમના થંભી, ધબકી ઊઠી નાડી;
ખાલી મટુકી, ખાલી હૈયું, ભરી ગયું એક તાન…
મહીડાં વેચવા…
પરાગ કહે: મહીડાં નહીં, આ તો મનનાં માખણ,
ચોરી ગયો એ ચિત્તચોર, ને મૂકી ગયો આ કંપન;
જે લૂંટાયું શ્યામને હાથે, એ જ થયું મહાદાન…
મહીડાં વેચવા…
– પરાગ રતનપરા