મારી ભોમકા
ઓ રે મારી ભોમકા, તારી માટી મારું અત્તર,
દરિયા પાર જઉં તોય તું જ મારું છેલ્લું ઉત્તર.
હિમાળે તારે માથે મુગટ, દરિયો ધૂએ પાય,
ગંગા-જમના-નર્મદા તારી છાતીએ લહેરાય;
ખેતર ખેતર સોનું ઊગે, ઝાડે ઝાડે મંતર…
ઓ રે મારી ભોમકા…
કોઈ આવ્યા લૂંટવા, કોઈ આવ્યા વેપાર કાજ,
તેં તો સૌને પાણી પાયું, એ તારી લાજ;
તારાં બાળક ભૂખ્યાં સૂતાં, તોય ન છોડ્યું ભીતર…
ઓ રે મારી ભોમકા…
પરાગ કહે: ગાદી માટે લડે ભલે સૌ નેતા,
ખેડુ, સૈનિક, મા ને શિક્ષક — એ તારા પ્રણેતા;
તારે માટે ખપી જઈએ, એ જ અમારું ભણતર…
ઓ રે મારી ભોમકા…
– પરાગ રતનપરા