મારી ભાષા
મા જેવી મીઠી રે મારી ગુજરાતી બોલી,
હાલરડે ઝૂલી, ને રમતી પોળે પોળે ભોળી.
નરસૈંયાની પ્રભાતી એમાં, મીરાંની કરતાલ,
દલપત, નર્મદ, મેઘાણી ને કવિ કલાપીની ચાલ;
ગરબો, દુહો, રાસ ને ભજનિયાં, ભરી ભરી છે ઝોળી…
મા જેવી મીઠી રે…
ઢોકળાં જેવી પોચી પોચી, ખાટીમીઠી કઢી,
સાગર જેવી ઊંડી ઊંડી, ગિરનાર જેવી ચડી;
બાની ગાળમાં પણ હેત ટપકે, એવી રંગરંગોળી…
મા જેવી મીઠી રે…
પરાગ કહે: આ અંગ્રેજીમાં ભલે ભણે સૌ બાળ,
ઘરમાં બોલજો ગુજરાતી, જાળવજો આ ડાળ;
મૂળ સુકાશે તો ફૂલ ક્યાંથી? રાખો ભાષા ખોળી…
મા જેવી મીઠી રે…
– પરાગ રતનપરા