એક રાત
રાતે બાર વાગ્યે
એ.ટી.એમ.ની કેબિનના દરવાજે
એક ડોસો આવ્યો.
ચોકીદારને બોલ્યો:
‘ભાઈ, પૈસા નથી કાઢવા,
પૈસા છે જ નહીં.
બસ, બહાર ઠંડી બહુ છે,
આ ખૂણે
એક રાત સૂવા દે.’
ચોકીદારે
ચારે બાજુ જોયું,
કૅમેરા સામે જોયું,
પછી પોતાની શાલ
ડોસાને ઓઢાડી.
સવારે
બૅન્કના મૅનેજરે
ચોકીદારને નોટિસ આપી.
કૅમેરામાં
એ રાત
‘સિક્યૉરિટી ભંગ’ તરીકે નોંધાઈ.
ઈશ્વરના ચોપડે
એ જ રાત
‘સિક્યૉરિટી’ તરીકે.
– પરાગ રતનપરા