← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માડી, તારો ખોળો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાસરિયે બેઠી દીકરી ઝૂરે, માડી, તારો ખોળો સાંભરે,
સાંજ પડે ને પિયરની કેડી આંખોમાં આવી પાંગરે…

સાસરિયે સૌ સારાં, મા, ને ઘર પણ મોટું મોટું,
પણ હૈયાનું તળિયું કેમ લાગે ખાલી ખોટું?
તારા હાથની ખીચડી, ને તારી ચૂંટીનો ઘાવ સાંભરે…
સાસરિયે બેઠી દીકરી ઝૂરે…

આંગણે લીમડો હશે હજી, ને હીંચકો હશે ઝૂલતો,
બાપુની પાઘડી ખીંટીએ, ને ભાઈ હશે ભૂલતો;
મારી ઢીંગલીને કહેજે, મા, તારી બેની રોજ સાંભરે…
સાસરિયે બેઠી દીકરી ઝૂરે…

પરાગ કહે: દીકરી તો બે ઘરની વેલ,
એક ઘરે મૂળ, ને બીજે ઘરે ફૂલની રેલ;
મા, તું ન આવે તો કાંઈ નહીં, તારી સાડીનો છેડો સાંભરે…
સાસરિયે બેઠી દીકરી ઝૂરે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખતરસઆગલો લેખ →શબરી