લગ્નમાં
આશિષો નાની પડી, ને ખર્ચ મોટો લગ્નમાં,
સાત ફેરા ગૌણ છે, ને મુખ્ય ફોટો લગ્નમાં.
ખાઈ પકવાનો ઘણાં, ને ઓડકારો ખાઈને,
તોય બોલ્યા: ‘આ કઢીનો સ્વાદ ખોટો લગ્નમાં!’
બાપ લાવ્યો વ્યાજથી, ને શાખ મૂકી દાવમાં,
ઘર ગયું, ખેતર ગયું, બસ એક લોટો લગ્નમાં.
રાતભર નાચ્યા બધા ‘ડીજે’ ઉપર, ને આખરે
ને મુહૂર્તે ઊંઘતા સૌ, સાવ ગોટો લગ્નમાં!
આ ‘પરાગે’ સાદગીથી લગ્ન કીધાં, ને પછી
સૌ કહે: ‘લોભી! ન ઘોડો, ને ન ઓટો લગ્નમાં!’
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્યગઝલ #લગ્ન #દેખાડો #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #WeddingSatire #ShowOff #SocialCustoms #HumorPoetry #ParagRatanpara