કોણ રમે છે?
કોણ રે કોણ, આ કોણ રમે છે, ફૂલે ફૂલે, પાને પાને?
કોણ રે ગાય છે ઝીણું ઝીણું, મારા અંતરના કાને?
બીજ ફૂટે ને કૂંપળ ઊગે, કોણ શીખવે એને?
પંખી ઊડે ને દિશા ન ભૂલે, કોણ દેખાડે તેને?
કોણ પૂરે છે તેજ અપાર સૂરજના એક દાને?…
કોણ રે કોણ…
માના ધાવણમાં કોણ ભરે છે અમરત જેવી ધાર?
બાળકની કાલી બોલીમાં કોણ કરે છે પ્યાર?
કોણ ઝૂલે છે હિંડોળે મારા જ શ્વાસના તાને?…
કોણ રે કોણ…
પરાગ કહે: પૂછતાં પૂછતાં હું જ થયો છું મૌન,
ફૂલ ખીલ્યું ત્યાં ઉત્તર મળ્યો: ‘જે પૂછે, એ જ કોણ’;
કોણ રે કોણ, એ હું જ છું, બેઠો મારા જ ધ્યાને…
કોણ રે કોણ…
– પરાગ રતનપરા