ખેતરને શેઢે
હરિ, મારે જાવું ખેતરને શેઢે, મોલ ઝૂલે ત્યારે,
ખળું ભરાય, ગાડાં ઊપડે, ને સાંજ ઢળે ત્યારે.
ના હૉસ્પિટલનો ધોળો ઓરડો, ના નળીઓનો જાળ,
માથે મારે આભ હોય ને પગ તળે મારી પાળ;
બળદની ઘંટડી રણકે, ને ટહુકો પડે ત્યારે…
હરિ, મારે જાવું…
દીકરો શહેરે ગયો, ભલે, એને ના બોલાવો,
ખેતરની માટી ઓઢાડી, બસ ધીમેથી સુવાડો;
વરસાદે જ્યાં પહેલું ફોરું ધરતીને અડે ત્યારે…
હરિ, મારે જાવું…
પરાગ કહે: આ ખેડૂત જીવ્યો માટી સાથે મીત,
મરતાં ય એ માગે માટી, એ જ એનું ગીત;
દાણો થઈને ફરી ઊગીશ, જ્યાં હળ ફરશે ત્યારે…
હરિ, મારે જાવું…
– પરાગ રતનપરા