ખખડધજ ડેલી
ડેલી ખખડધજ ઊભી રે, એને કોણ દિયે હોંકારો?
આંગણે ઊગ્યું ઘાસ, ને ઓસરીએ બેઠો અંધારો…
દાદાનો હુક્કો ગુડગુડતો, બાનું ઘંટી-ગાન,
ભીંતે ચાકળા, ટોડલે મોર ને ઝાંપે બેસતું શ્વાન;
હવે તાળું લટકે એકલું, ને કાટનો પથારો…
ડેલી ખખડધજ…
દીકરા ગયા પરદેશ, દીકરીઓ સાસરિયે ઠરી,
ડેલી રોજ સવારે જાગે, રાતે સૂએ ડરી;
વરસે એક દિ’ કોઈ આવીને ફોટો પાડી જનારો…
ડેલી ખખડધજ…
પરાગ કહે: ઈંટ-ચૂનો નથી, ડેલી તો છે માયા,
જેણે જેણે ઝાંપો ઓળંગ્યો, એ સૌ અહીંના જાયા;
ચાલ, એકાદો દીવો કરીએ, પાછો આવે ઉજિયારો…
ડેલી ખખડધજ…
– પરાગ રતનપરા