છે પૂરતો
ભૂખ ભાંગે એટલો આ રોટલો છે પૂરતો,
સાંજ ઢળતાં બેસવા આ ઓટલો છે પૂરતો.
રેશમી ગાદી ઉપર જાગી જતા જોયા ઘણા,
ઘસઘસાટે ઊંઘવા આ ખાટલો છે પૂરતો.
જે કમાયો, જે ઉસેડ્યો, સૌ અહીં છોડી જવું,
સાથ લેવા કર્મનો આ પોટલો છે પૂરતો.
હાર હીરાનો નથી, ને ના મુગટ મોતી તણો,
મોગરે ગૂંથેલ તારો ચોટલો છે પૂરતો.
આ પરાગે આંબવાડી ક્યાં કદી માગી હતી?
વાવવા ખાતર જરી શો ગોટલો છે પૂરતો.
– પરાગ રતનપરા
#ગઝલ #સંતોષ #સાદગી #ગામડું #સુખ #પરાગરતનપરા
#GujaratiGhazal #Contentment #SimpleLiving #VillageLife #EnoughIsPlenty #ParagRatanpara