ખાદી ભંડાર
ખાદી ભંડારના
એ.સી. શો-રૂમમાં
ગાંધીજીનો ફોટો
ઠંડીથી ધ્રૂજે છે.
કાઉન્ટર પર
રેંટિયાનું મોડેલ —
‘ડેકોરેશન પીસ,
નોટ ફોર સેલ.’
ઝભ્ભાની કિંમત
અઢી હજાર;
નીચે નાના અક્ષરે:
‘હાથવણાટ’.
બહાર ફૂટપાથ પર
એક ડોશી
હાથે કાંતેલું સૂતર
વેચવા બેઠી છે —
કોઈ ભાવ પૂછતું નથી.
સાદગી
હવે
મોંઘી થઈ ગઈ છે;
સાદા માણસને
પોસાતી નથી.
– પરાગ રતનપરા