કેડી
કેડી મારી વાંકીચૂંકી, ગામ લગી લઈ જાય,
હાઈવે સીધો સટ, પણ ઘરનું નામ ન આવે ક્યાંય.
કેડીએ બાવળ, કેડીએ બોરડી, કેડીએ પીપળ-છાંય,
કેડીએ મળે કોઈ ભાભી, કોઈ પૂછે: ‘ક્યાં જાય?’
હાઈવે પર તો ગાડી દોડે, કોઈ ન કોઈને ઓળખાય…
કેડી મારી…
વાંકમાં વાતો, વળાંકમાં વહાલ, ઢાળે ઢળતી સાંજ,
સીધા રસ્તે ઝડપ મળે, પણ મળે ન મનનો સાજ;
જલદી પહોંચું, પણ ક્યાં પહોંચું? એ જ ન સમજાય…
કેડી મારી…
પરાગ કહે: જીવતરની કેડી વાંકી હોય તો શું?
વળાંકે વળાંકે મળશે કોઈ ફૂલ, તો કોઈ લૂ;
સીધી લીટી તો મરણની, જીવન વાંકું ગવાય…
કેડી મારી…
– પરાગ રતનપરા