કષ્ટભંજન
હે કષ્ટભંજન, હે અંજનીના જાયા,
દુઃખિયાના બેલી, તમે ક્યાં સંતાયા?
રામ કાજે તમે સાગર ઓળંગ્યો,
લંકા બાળી, ને સીતાને શોધ્યાં;
સંજીવની કાજે પર્વત ઉપાડ્યો,
ને ભક્તિને બળનો સંગ શીખવાડ્યો;
આજ ભાઈ ભાઈના ઝઘડે ઘર બળે,
કોઈ લંકા નહીં, તો ય ધુમાડા છાયા…
દુઃખિયાના બેલી, તમે ક્યાં સંતાયા?
ખેડુ ઊભો છે સૂકા ખેતરની વચ્ચે,
વિધવા બેઠી છે દીવો લઈને ઓટલે;
બાળક ભૂખ્યું, ને માની છાતી કોરી,
સંજીવની જોઈએ, હવે સૌને થોડી;
પર્વત નહીં, બસ એક મુઠ્ઠી દાણા,
તમે તો સાચા ભગતના સગા કહેવાયા…
દુઃખિયાના બેલી, તમે ક્યાં સંતાયા?
પરાગ કહે, હનુમાન તો સૌમાં વસે,
જે બીજાના દુઃખે આંસુ થઈ હસે;
છાતી ચીરો તો રામ જ દેખાય,
એવું હૈયું હોય, તો કષ્ટ ભંજાય;
બજરંગ થઈને જાગો ભીતર, ભાઈ,
પછી ન પૂછો કે ‘ક્યાં રે સંતાયા?’
– પરાગ રતનપરા