કાયાનો ચરખો
કાયા રે મારી ચરખો કાંતે, સાંસ સાંસનો તાર,
કોણ બેઠું એ ચરખે કાંતણ, કોઈ ન જાણે સાર.
ઘરર ઘરર ચાલે રે ચરખો, રાતદિવસ ના થાકે,
પૂણી ખૂટે તો ધરે બીજી, કોણ છુપાઈ પાછળ ઝાંકે?
પળ પળની પૂણીઓમાંથી બનતો જીવન-હાર…
કાયા રે મારી…
તાર કદી જો તૂટે રે, તો ગાંઠ વાળી લેવાની,
ગાંઠ પડે તોય વણકરને ખાદી પૂરી દેવાની;
ઝીણું જાડું જે પણ નીકળે, એ જ તારો શણગાર…
કાયા રે મારી…
પરાગ કહે: આ ચરખો મારો એક દી થંભી જાશે,
કાંતેલું સૂતર તો ઓલ્યા વણકરને ઘર જાશે;
ચોખ્ખું કાંતજે, ભાઈ, કે એ દિ’ ઓઢે સરજનહાર…
કાયા રે મારી…
– પરાગ રતનપરા